વચનામૃત ગઢડા મધ્યનું - ૩૬
સંવત ૧૮૮૦ના ભાદરવા સુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) જે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય તે જેમ પુત્ર-કળત્રાદિકમાં ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે માટે એક તો એ ઉપાય છે, અને બીજો ઉપાય એ છે જે અતિશે શૂરવીરપણું, તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશે વિચાર ઊપજે તે વિચારે કરીને ઘાટમાત્ર ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે તે જેના હૃદયને વિષે જન્મ, મૃત્યુ ને નરકચોરાશી તેની બીક અતિશે રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે, તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિષે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે અને એ ચાર ઉપાય વિના તો જે ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય, પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તોપણ ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહે નહિ અને ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે તે જેને અનેક જન્મનાં સુકૃત ઉદે થયાં હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહા દુર્લભ છે, એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરી. (૧)
૨ ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) આ સંસારને વિષે માયા માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે. જે ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે અને આ જીવને પોતાનો જે દેહ ને દેહનાં સગાં-સંબંધી ને દેહનું ભરણ-પોષણ કરનારો એટલાને વિષે તો જેવું પંચવિષયમાં જીવને અતિશે હેત છે તે થકી પણ વિશેષે હેત છે. માટે જેને દેહ ને દેહનાં સગાં-સંબંધી ને દેહનું ભરણ-પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને જ ભગવાનને વિષે હેત થાય છે અને જ્યારે ભગવાનને વિષે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે ને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી; તે તો કૃતાર્થ થયો છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૬।। (૧૬૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. બીજું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ, શૂરવીરપણું, ભય ને વૈરાગ્ય હોય તેઓને તથા જેના ઉપર અમે કૃપા કરીએ તથા પૂર્વનો સંસ્કારી હોય તે સર્વને અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે છે. (૧) બીજામાં અમારા વિના બીજે હેત રહે તે માયા છે ને બીજેથી હેત તૂટીને અમારે વિષે હેત થાય તે માયાને તરી રહ્યો છે. (૨) બાબતો છે. ।।૩૬।।